ChatGPT: પેઈડ ફીચરને કરી દેવાયું ફ્રી, ડેમો વીડિયોમાં સેમ ઓલ્ટમેનની વિદાય બાદની સ્થિતિ અંગે રમૂજ

વેબ સંસ્કરણ હજુ પણ દરેક યુઝર્સને વોઈસ ચેટ વિકલ્પ નથી આપી રહ્યું

Courtesy: Twitter

Share:

ChatGPT: ઓપનએઆઈના હાઈ-પ્રોફાઈલ સીઈઓ સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ એક નવી અપડેટ સામે આવી છે. ચેટજીપીટી (ChatGPT)ની પેરેન્ટ કંપની ઓપનએઆઈએ તેમની લોકપ્રિયતામાં ખૂબ મહત્વનો ભાગ ભજવનારી વાયરલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલને હવે ફ્રીમાં ઉપલબ્ધ કરી દીધી છે. 

 

ChatGPTનું પેઈડ ફીચર હવે ફ્રીમાં ઉપલબ્ધ

ઓપનએઆઈની ટીમે તેમના આ ફીચરને સૌના માટે ઉપલબ્ધ કરવાની જાહેરાત સાથે જ સેમ ઓલ્ટમેનની વિદાય બાદ કંપનીમાં જે કાંઈ બની રહ્યું છે તે અંગે રમૂજ દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો. આ એક વોઈસ ચેટ સુવિધા છે જે અત્યાર સુધી પેઈડ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હતી. જોકે આ વોઈસ ચેટ વિકલ્પ હાલ માત્ર ચેટજીપીટી મોબાઈલ એપ્લિકેશનના યુઝર્સ માટે જ છે અને વેબ સંસ્કરણ હજુ પણ દરેક યુઝર્સને વોઈસ ચેટ વિકલ્પ નથી આપી રહ્યું.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચેટજીપીટી (ChatGPT) મોબાઈલ એપ્લિકેશન પર જાઓ અને પ્રોમ્પ્ટ બોક્સની બાજુમાં, જમણી બાજુએ હેડફોન આઈકન પર ક્લિક કરો. તેનાથી તમને વોઈસ સાથે ચેટ સુવિધાનું વર્ણન કરતું એક પૉપ-અપ દેખાશે. ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરવાથી તમને તમારી સાથે વાત કરતી વખતે ચેટજીપીટી કેવી રીતે અવાજ કરે છે તે નિયંત્રિત કરવા મળશે. એકવાર થઈ ગયા પછી તમે તમારા અવાજનો ઉપયોગ કરીને ચેટજીપીટી સાથે વાર્તાલાપ કરી શકશો.


ડેમો વીડિયોમાં રમૂજ

ઓપનએઆઈએ એક્સ (પૂર્વ ટ્વિટર) પર ડેમો વીડિયો શેર કરીને આ સુવિધાનું અનાવરણ કર્યું હતું. વીડિયોમાં ટીમ મજાકમાં એવું કહેતા સાંભળી શકાય છે કે, તેમના માટે એક લાંબી રાત રહી છે અને પિઝા ઓર્ડર કરવા માટે કેટલા મંગાવવા જોઈએ. તેમાં લાંબી રાત એ સેમ ઓલ્ટમેનના ગયા બાદની નાટકીય સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. સાથે જ કંપનીમાં હજુ પણ કેટલા લોકો કામ કરી રહ્યા છે તે આંકડો પણ દર્શાવી દીધો છે અને તેમના માટે પિઝા ઓર્ડર કરવા વોઈસ ચેટની મદદ લેવાઈ રહી છે.


OpenAIને સેમ ઓલ્ટમેન પર વિશ્વાસ નથી

સેમ ઓલ્ટમેનને હાંકી કાઢતા પહેલા કંપનીના ડિરેક્ટર બોર્ડે તેની સમીક્ષા કરી જણાવ્યું હતું કે, તે સુવ્યવસ્થિત કોમ્યુનિકેશન કરવામાં સક્ષમ નથી. તેમને જવાબદારી પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કંપનીના બોર્ડને હવે સેમ ઓલ્ટમેન પર વિશ્વાસ રહ્યો નથી.

ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈએ જણાવ્યું હતું કે, કંપનીએ સીઈઓ સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યા છે. કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે, સેમ બોર્ડ સાથે વાતચીત કરવાની સતત અવગણના કરી રહ્યા હતા. કંપનીને લાગે છે કે તેઓ ફર્મનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી.