Google Pay હવે મોબાઈલ રિચાર્જ માટે પૈસા લેવાનું ચાલુ કરશે

ગૂગલ પે સહિતની કંપનીઓ રિચાર્જ પેક પ્રમાણે 1 રૂપિયાથી લઈને 5-6 રૂપિયા સુધીનો પ્લેટફોર્મ ચાર્જ લઈ રહી છે

Courtesy: Image: Twitter

Share:

 

Google Pay: ભારતમાં ડિજિટલ ક્રાંતિની સાથે પેટીએમ, ગૂગલ પે (Google Pay), ફોનપે સહિતની એપનો ઉપયોગ પણ ખૂબ જ વધી રહ્યો છે. આ બધી દેશની મુખ્ય UPI એપ્સ છે જેના દ્વારા લોકો રેન્ટ, બિલ પેમેન્ટ, ગેસ, ફ્લાઈટ, ઈન્સ્યોરન્સ, મોબાઈલ રિચાર્જ વગેરે પ્રકારના પેમેન્ટ કરે છે. 

 

ત્યારે UPI એપ પેટીએમ અને ગૂગલ પે સાથે જોડાયેલું મોટુ અપડેટ સામે આવ્યું છે. જો તમે આ એપ દ્વારા મોબાઈલ રિચાર્જ કરાવો છો તો તમારે પ્લેટફોર્મ ફી ચુકવવી પડશે. એટલે કે મોબાઈલ રિચાર્જ અમાઉન્ટ સિવાય પણ એક નાનકડી રકમ તમારા ખાતામાંથી કપાઈ જશે. 

Google Pay સહિતની કંપનીઓએ લગાવ્યા ચાર્જ

ઓનલાઈન પેમેન્ટ ઓફર કરતી કંપનીઓએ શરૂઆતમાં સસ્તામાં કે ફ્રીમાં સેવા આપીને હવે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. શરૂઆતી તબક્કે અમુક સેગમેન્ટમાં જ અને ન્યૂનતમ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. પહેલા આ સર્વિસ કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી. યુઝર્સને ટેલિકોમ ઓપરેટર દ્વારા લેવામાં આવતી રકમ જ ચૂકવવી પડતી હતી પરંતુ હવે એવું લાગે છે કે તેઓ હવે ભારતના અબજ-ડોલરના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાંથી આવક પેદા કરવાના માર્ગો શોધી રહ્યા છે.

રિચાર્જ પેક પ્રમાણે અલગ ચાર્જ

ગૂગલ પે (Google Pay) સહિતની કંપનીઓ ગ્રાહકો પાસેથી રિચાર્જ પેક પ્રમાણે અલગ-અલગ પ્લેટફોર્મ ચાર્જ લઈ રહી છે. આ ચાર્જ 1 રૂપિયાથી લઈને પેમેન્ટની રકમ પ્રમાણે 5-6 રૂપિયા સુધીનો છે. જો તમે એરટેલ પર 2999 રૂપિયાનું એક વર્ષનું રિચાર્જ કરાવો છો તો કંપની તમારી પાસેથી 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચાર્જ કરશે. 

 

જો તમે ગૂગલ પે એપ દ્વારા રૂ. 749નું જિયો રિચાર્જ કરાવશો તો ગૂગલ પે સર્વિસ ફી પેટે રૂ. 3 વધારાના વસૂલ કરી રહ્યું છે જ્યારે પેટીએમ રૂ. 1.90નો વધારાનો ચાર્જ લઈ રહ્યું છે.

 

જાણીતા ટેક  ટિપસ્ટર મુકુલ શર્માએ ટ્વિટર પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે જિયોના 749 રૂપિયાના રિચાર્જ માટે ગૂગલ પે 752 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે જેમાં કન્વીનિયન્સ ચાર્જ તરીકે 3 રૂપિયા ઉમેરવામાં આવ્યા છે. આ સુવિધા ફી એપ દ્વારા UPI અને કાર્ડ પેમેન્ટ બંને મોડમાં ચૂકવવાની રહેશે.

 

મોબાઈલ રીચાર્જ પર આ વધારાના ચાર્જિસ UPI દ્વારા પેમેન્ટ કરવા પર લેવામાં આવી રહ્યા છે. આમ સ્પષ્ટ થાય છે કે, વધારાની ફી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટના કારણે નથી કારણકે અમુક એપ્લિકેશન્સમાં કેટલીકવાર પેમેન્ટ ગેટવે ફીના રૂપમાં આ પ્રકારનો નાનો સરચાર્જ શામેલ હોય છે. 

 

અત્યારે, ગૂગલ પે (Google Pay) અને પેટીએમ આ ચાર્જ માત્ર મોબાઈલ રિચાર્જ પર જ વસૂલ કરે છે, અન્ય કોઈ વ્યવહારો જેમ કે વીજળી બિલની ચુકવણીઓ મફત રહેશે. આ સિવાય અન્યના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પર પણ કોઈ વધારાના ચાર્જિસ નથી.

Tags :