OpenAI: ઓપનએઆઈના (OpenAI) હાઈ-પ્રોફાઈલ સીઈઓ સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઓપનએઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે બપોરે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે. હાલમાં કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે ફરજ બજાવતા મીરા મુરાતીની વચગાળાના સીઈઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ અગાઉ સેમ ઓલ્ટમેન ટેક ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ઝડપથી આગળ વધારનાર એક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા.
OpenAIને સેમ ઓલ્ટમેન પર વિશ્વાસ નથી
સેમ ઓલ્ટમેનને હાંકી કાઢતા પહેલા કંપનીના ડિરેક્ટર બોર્ડે તેની સમીક્ષા કરી જણાવ્યું હતું કે, તે સુવ્યવસ્થિત કોમ્યુનિકેશન કરવામાં સક્ષમ નથી. તેમને જવાબદારી પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કંપનીના બોર્ડને હવે સેમ ઓલ્ટમેન પર વિશ્વાસ રહ્યો નથી.
ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈ (OpenAI)એ જણાવ્યું હતું કે, કંપનીએ સીઈઓ સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યા છે. કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે, સેમ બોર્ડ સાથે વાતચીત કરવાની સતત અવગણના કરી રહ્યા હતા. કંપનીને લાગે છે કે તેઓ ફર્મનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી.
મીરા મુરાતીને સોંપાઈ જવાબદારી
બોર્ડના જણાવ્યા મુજબ સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ મીરા મુરાતીને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ હવે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. આ પોસ્ટને સંભાળવા બોર્ડ કાયમી સીઈઓની પણ શોધ કરી રહ્યું છે. મીરા 2018માં ટેસ્લા કંપની છોડ્યા પછી ઓપનએઆઈમાં જોડાયા હતા.
મીરાની નિયુક્તિ અંગેના પ્રશ્નના જવાબમાં, ઓપનએઆઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “મીરાનો લાંબો કાર્યકાળ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં, બોર્ડ માને છે કે તેઓ આ ભૂમિકા માટે લાયક છે.”
ChatGPTના જનક છે સેમ ઓલ્ટમેન
મળતી માહિતી અનુસાર, લગભગ એક વર્ષ પહેલા 38 વર્ષીય ઓલ્ટમેને ચેટજીપીટી ચેટબોટ બનાવ્યું હતું. અભૂતપૂર્વ ક્ષમત ધરાવતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ચેટજીપીટી લોન્ચ થતાની સાથે જ ટેકની દુનિયામાં ખલબલી મચી ગઈ હતી. ઓપનએઆઈને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીનો સપોર્ટ પણ છે.
ઓપનએઆઈ (OpenAI)ના બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓલ્ટમેનને બરતરફ કરવાનો નિર્ણય ખૂબ જ વિચારણા બાદ લેવામાં આવ્યો છે. વિચારણા કર્યા પછી, બોર્ડ આ નિષ્કર્ષ પર પહોંચ્યું કે સેમ ઓલ્ટમેન તેના કામ વિશે સ્પષ્ટ નથી, બોર્ડને હવે ઓપનએઆઈનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ નથી.
ઓપનએઆઈના પ્રમુખનું રાજીનામું
સેમ ઓલ્ટમેનની વિદાય બાદ ઓપનએઆઈના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને પણ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, અમે એક સાથે મુશ્કેલ અને અદ્ભુત સમયમાંથી પસાર થયા છીએ. આટલા બધા કારણો હોવા છતાં આટલું હાંસલ કરવું અશક્ય હોવું જોઈતું હતું, પરંતુ આજના સમાચારના આધારે મેં પદ છોડ્યું છે.