સુરતમાં 1.60 લાખ સ્ક્વેર ફૂટના એસી ડોમમાં નવરાત્રિનું આયોજન થશે

નવરાત્રિ મહોત્સવમાં ઝૂમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતમાં નવરાત્રિનું આયોજન કરવા માટે ઓછામાં ઓછા ચાર ઈન્ડોર વેન્યુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં નવરાત્રિના મોટા આયોજક ગણાતા G-9 ગ્રૂપ દ્વારા 1.60 લાખ સ્ક્વેર ફૂટના એસી ડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.  જર્મન ટેક્નોલોજીથી આ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ […]

Share:

નવરાત્રિ મહોત્સવમાં ઝૂમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતમાં નવરાત્રિનું આયોજન કરવા માટે ઓછામાં ઓછા ચાર ઈન્ડોર વેન્યુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં નવરાત્રિના મોટા આયોજક ગણાતા G-9 ગ્રૂપ દ્વારા 1.60 લાખ સ્ક્વેર ફૂટના એસી ડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. 

જર્મન ટેક્નોલોજીથી આ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે સરસાણા SIECC ડોમ અને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઈન્ડોર નવરાત્રિના કાર્યક્રમો યોજાશે, જ્યારે વેસુમાં બે અલગ-અલગ સ્થળોએ બે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

ગરમી હોય કે વરસાદ એસી ડોમમાં નવરાત્રિ નોનસ્ટોપ જામશે

આ વર્ષે સુરતમાં નવરાત્રિના આયોજનોમાં આયોજકો દ્વારા ડેકોરેશનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. સુરતમાં નવરાત્રિ આયોજન કિંગ તરીકે ગણાતા G-9 ગ્રૂપે આ વખતે વિશેષ અને અલગ જ પ્રકારનું આયોજન કર્યું છે. જેમાં વિશાળ એસી ડોમ, પાર્કિંગ અને અલગ થીમનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં નવરાત્રિના G-9 ગ્રૂપના આયોજક હિરેન કાકડિયાએ જણાવ્યું હતું કે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે છેલ્લા દસ વર્ષથી અમે જ આયોજન કરતા આવ્યા છે. આ વખતનું અમારું નવરાત્રિનું આયોજન ખૂબ જ અલગ અને વિશેષ છે. પ્રથમ વખત 1,60,000 સ્ક્વેર ફીટમાં આયોજન કરાયું છે. દોઢ લાખ વારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ પ્રકારના અલગ અલગ ડોમ બનાવ્યા છે. પ્રથમ વખત ખેલૈયાઓ માટે અલગથી કૃત્રિમ રીતે વિશાળ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. 

એસી ડોમમાં વુડન પ્લેટફોર્મ તૈયાર કરાયું

તેમણે જણાવ્યું કે વુડન પ્લેટફોર્મ પર ખેલૈયા રમતા હોય ત્યારે તેમના પગમાં ઈજા, દુખાવો તેમજ સોજો થવાની શક્યતા થતી હોય છે. તેથી વુડન પ્લેટફોર્મના ઉપર હિટ લોન અને તેની ઉપર કાર્પેટ પાથરવામાં આવ્યું છે. જેથી કરીને આગામી 10 દિવસ સુધી ખેલૈયાઓને ગરબા રમતી વખતે કોઈપણ પ્રકારની ન સમસ્યા આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક ટોચના ગાયકો આ વર્ષે અહીં પરફોર્મ કરશે.

હિરેન કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિના આયોજનની સાથે ડેકોરેશનને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એસી ડોમમાં નવરાત્રિનો રંગ રાખવા માટે રાણી પિંક કલરની થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ વખતની નવરાત્રિમાં 500 ફૂટની ડેકોર ડિઝાઈનની આખી વોલ ઊભી કરવામાં આવી છે. 30 ફૂટની હાઈટના મોટા સ્ટ્રક્ચર ઊભા કરાયાં છે.   

હિરેન કાકડિયાએ જણાવ્યું કે હાલ યુવાઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકોને સોશિયલ મીડિયામાં રોયલ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી અપલોડ કરવામાં ખૂબ જ રસ જોવા મળે છે. તેથી તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.