નવરાત્રીના તહેવારમાં આકર્ષણનું કેન્દ્ર બનશે 3 કિલોની રામ રાજ્ય પાઘડી

ગુજરાતમાં નવરાત્રીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. દર વર્ષે નવરાત્રીના 2-3 મહિના પહેલાથી જ ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. ખેલૈયાઓ નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા કાર્યક્રમોમાં સૌથી અલગ તરી આવવા માટે નીતનવી સ્ટાઈલ અને પહેરવેશ અપનાવતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીના તહેવારમાં રામ રાજ્ય પાઘડી […]

Share:

ગુજરાતમાં નવરાત્રીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. દર વર્ષે નવરાત્રીના 2-3 મહિના પહેલાથી જ ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. ખેલૈયાઓ નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા કાર્યક્રમોમાં સૌથી અલગ તરી આવવા માટે નીતનવી સ્ટાઈલ અને પહેરવેશ અપનાવતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીના તહેવારમાં રામ રાજ્ય પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. 

દર વર્ષે નવરાત્રીના તહેવાર દરમિયાન વિવિધ પ્રકારની થીમ આધારીત પાઘડીઓ દ્વારા આકર્ષણ જગાવનારા અનુજ મુદલિયાર આ વખતે પણ અલગ છાપ ઉભી કરવા સજ્જ બની ગયા છે. અમદાવાદમાં રહેતા અનુજ મુદલિયારે આ વર્ષે નવરાત્રીના તહેવાર માટે રામ રાજ્ય પાઘડી તૈયાર કરાવી છે.

અનુજ નામના કોરિયોગ્રામફરે ડિઝાઈન કરી રામ રાજ્ય પાઘડી

કોરિયોગ્રાફર અને ડિઝાઈનર અનુજ મુદલિયાર તાજેતરમાં ગાંધીનગર ખાતે પોતાની રામ રાજ્ય પાઘડી સાથે સંપૂર્ણ ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઈને જોવા મળ્યા હતા. હકીકતે મૂળે દક્ષિણ ભારતના અનુજ મુદલિયાર વર્ષોથી અમદાવાદમાં જ રહે છે અને 2017ના વર્ષથી તેઓ પોતાની વિવિધ થીમની પાઘડી દ્વારા નવરાત્રીના તહેવાર દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બને છે.

અનુજ મુદલિયારની રામ રાજ્ય પાઘડીનું વજન આશરે 3 કિગ્રા જેટલું છે અને તેમાં રામ મંદિરની પ્રતિકૃતિ ઉપરાંત મિશન ચંદ્રયાન-3ની સફળતા દર્શાવવા માટે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ અને વડાપ્રધાન મોદી પ્રત્યેનું સન્માન દર્શાવવા માટે વડાપ્રધાન મોદીની તસવીર સાથે ‘ફિર એક બાર મોદી સરકાર’ સ્લોગન દર્શાવવામાં આવ્યું છે. 

15 હજારના ખર્ચે તૈયાર થઈ રામ રાજ્ય પાઘડી

રામ રાજ્ય પાઘડીમાં અયોધ્યાના રામ મંદિર, વડાપ્રધાન મોદી, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિની સાથે જ ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતી વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા કાર્યક્રમોમાં અનુજ મુદલિયાર આશરે 15,000 રૂપિયાના ખર્ચે બનેલી 3 કિગ્રા વજનની રામ રાજ્ય પાઘડી ઉપરાંત 4-5 કિગ્રા વજનનું કેડિયુ સહિત આશરે કુલ 12 કિગ્રા વજનના પહેરવેશ સાથે ગરબે ઝૂમતા જોવા મળશે. 

અનુજ મુદલિયારના કહેવા પ્રમાણે તેઓ આ વખતે નવરાત્રીના તહેવારમાં નવા સંસદ ભવનને અનુલક્ષીને કશું તૈયાર કરવા માગતા હતા. ત્યાર બાદ અનુજ મુદલિયારે વિચાર બદલીને ચંદ્રયાન 3 મિશન, રામ મંદિર અને વડાપ્રધાન મોદીને આવરી લેવાનો નિર્ણય લીધો હતો. અનુજ મુદલિયાર હાલ રામ રાજ્ય પાઘડી પહેરીને પોતાની ટીમ સાથે ગરબાની પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત છે અને તેઓ આ વખતે પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બનવાના છે તે નક્કી જ છે. રામ રાજ્ય પાઘડી તૈયાર કરવા માટે અનુજ મુદલિયારને આશરે 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. 

અનુજ મુદલિયારે સૌ પ્રથમ 2017માં જીએસટી થીમ પર પાઘડી તૈયાર કરી હતી. ત્યાર બાદ 2018માં અમદાવાદ હેરિટેજ થીમ પર પસંદગી ઉતારી હતી ત્યારે આ વખતે રામ રાજ્ય પાઘડી સાથે તેઓ ફરી એક વખત પોતાની ટીમ સાથે ગરબે ઝૂમવા માટે તત્પર છે.