પૂર્વીય ઉરુગ્વેમાં મેગેલેનિક પેંગ્વિન્સનું રહસ્યમય મૃત્યુ

છેલ્લા 10 દિવસમાં પૂર્વીય ઉરુગ્વેના દરિયાકાંઠે લગભગ 2,000 પેન્ગ્વિન મૃત હાલતમાં મળી આવ્યા છે, તેમના મૃત્યુનું કારણ એ એક રહસ્ય છે, અને એવું લાગે છે કે તેના માટે એવિયન ઈન્ફલ્યુએન્ઝા જવાબદાર નથી. પર્યાવરણ મંત્રાલયના પ્રાણીસૃષ્ટિ વિભાગના વડા કાર્મેન લીઝાગોયેને જણાવ્યું કે મેગેલેનિક પેન્ગ્વિન એટલાન્ટિક મહાસાગરમાં મૃત્યુ પામ્યા હતા અને દરિયાના કરંટને કારણે તેમના મૃતદેહ ઉરુગ્વેના […]

Share:

છેલ્લા 10 દિવસમાં પૂર્વીય ઉરુગ્વેના દરિયાકાંઠે લગભગ 2,000 પેન્ગ્વિન મૃત હાલતમાં મળી આવ્યા છે, તેમના મૃત્યુનું કારણ એ એક રહસ્ય છે, અને એવું લાગે છે કે તેના માટે એવિયન ઈન્ફલ્યુએન્ઝા જવાબદાર નથી.

પર્યાવરણ મંત્રાલયના પ્રાણીસૃષ્ટિ વિભાગના વડા કાર્મેન લીઝાગોયેને જણાવ્યું કે મેગેલેનિક પેન્ગ્વિન એટલાન્ટિક મહાસાગરમાં મૃત્યુ પામ્યા હતા અને દરિયાના કરંટને કારણે તેમના મૃતદેહ ઉરુગ્વેના કિનારા સુધી આવી ગયા હતા.

તેમણે કહ્યું કે “આ પાણીમાં મૃત્યુદરનો મામલો છે. આશ્ચર્યજનક રીતે, મૃતક પેન્ગ્વિનમાંથી 90% કિશોર વયના હતા જેઓ કોઈ ચરબીના ભંડાર અને ખાલી પેટ સાથે આવ્યા હતા. એવિયન ઈન્ફલ્યુએન્ઝા માટે લેવામાં આવેલા તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે.

મેગેલેનિક પેન્ગ્વિન દક્ષિણ આર્જેન્ટિનામાં મળી આવે છે. દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં, તેઓ ખોરાક અને ગરમ પાણીની શોધમાં ઉત્તર તરફ સ્થળાંતર કરે છે, તેઓ બ્રાઝિલના એસ્પિરિટો સાન્ટોના કિનારે પણ પહોંચી જાય છે.

કાર્મેન લીઝાગોયે જણાવ્યું કે, “કેટલાક ટકા પેન્ગ્વિન મૃત્યુ પામે તે સામાન્ય બાબત છે, પરંતુ આટલી સંખ્યામાં મૃત્યુ થવું સામાન્ય નથી.” બ્રાઝિલમાં ગયા વર્ષે, અનિશ્ચિત કારણોસર પેન્ગ્વિન મૃત્યુ પામ્યા હતા.

લગુના ડી રોચા સંરક્ષિત વિસ્તારના ડિરેક્ટર હેક્ટર કેમેરિસે AFPને જણાવ્યું હતું કે તેમણે એટલાન્ટિકના કિનારે છ માઈલ (10 કિલોમીટર) પર 500થી વધુ મૃત મેગેલેનિક પેન્ગ્વિનની ગણતરી કરી છે.

પર્યાવરણીય હિમાયતીઓ મેગેલેનિક પેન્ગ્વિનના મૃત્યુમાં વધારાનું કારણ અતિશય માછીમારી અને ગેરકાયદેસર રીતે થતી માછીમારીને આભારી છે.

NGO SOS મરીન વાઈલ્ડલાઇફ રેસ્ક્યૂના રિચાર્ડ ટેસોરે AFPને જણાવ્યું, “1990 અને 2000ના દાયકાથી અમે પ્રાણીઓને ખોરાકની અછત છે તે જોઈએ છીએ. સંસાધનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે.” 

તેમણે કહ્યું, એટલાન્ટિકમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત, જે જુલાઈના મધ્યમાં દક્ષિણપૂર્વીય બ્રાઝિલમાં ત્રાટક્યું હતું, કદાચ ખરાબ હવામાનને કારણે સૌથી નબળા પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા.

મિસ્ટર ટેસોરે જણાવ્યું હતું કે મેગેલેનિક પેન્ગ્વિન ઉપરાંત, તેમને તાજેતરમાં રાજધાની મોન્ટેવિડિયોની પૂર્વમાં આવેલા ડિપાર્ટમેન્ટ માલ્ડોનાડોના દરિયાકિનારા પર મૃત પેટ્રેલ્સ, અલ્બાટ્રોસિસ, સીગલ, દરિયાઈ કાચબા અને દરિયાઈ સિંહો મળ્યા છે. 

મેગેલેનિક પેન્ગ્વિનના મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે. તેમનું મૃત્યુ થવું એ એક રહસ્યમયી ઘટના છે એવું સત્તાધિકારીઓએ જણાવ્યું હતું. પેન્ગ્વિનનું મૃત્યુ તેવું એ એક સામાન્ય ઘટના છે પરંતુ 2000ની સંખ્યામાં તેમનું મૃત્યુ થવું એ સામાન્ય બાબત નથી. 

માછીમારોના દરિયામાં વધુ પડતી માછલી પડકવાના કારણે મેગેલેનિક પેન્ગ્વિનને ખોરાકની અછત સર્જાઈ છે, સંસાધનોનો વધુ પડતો ઉપયોગ થાય છે તેમજ ખરાબ હવામાનના કારણે મેગેલેનિક પેન્ગ્વિન ઉત્તરના ભાગમાં સ્થળાંતર કરે છે. આ બાબતોના કારણે પેન્ગ્વિનના મૃત્યુમાં વધારો થયો છે.પેન્ગ્વિનના મૃત્યુની તપાસ ચાલી રહી છે.