ઈન્સ્ટાગ્રામ રીલનો ચસકો ભારે પડ્યો, કર્ણાટકનો યુવાન ધોધમાં સરી પડ્યો 

જો તમે ઈન્સ્ટાગ્રામ રીલના રસિક હોય તો તમારા માટે કર્ણાટકથી એક બોધપાઠ શીખવતો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાના કોલ્લુર ગામ નજીક અરાસિનાગુંડી ધોધ ખાતે એક હૃદયદ્રાવક ઘટનામાં, શરથ કુમાર નામના 23 વર્ષીય વ્યક્તિએ ધોધમાં જીવ ગુમાવ્યો છે.  23 જુલાઈએ શરથ સવારે તેના મિત્રો સાથે રમણીય ધોધની મુલાકાતે ગયો હતો અને ઈન્સ્ટાગ્રામ રીલ માટે […]

Share:

જો તમે ઈન્સ્ટાગ્રામ રીલના રસિક હોય તો તમારા માટે કર્ણાટકથી એક બોધપાઠ શીખવતો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાના કોલ્લુર ગામ નજીક અરાસિનાગુંડી ધોધ ખાતે એક હૃદયદ્રાવક ઘટનામાં, શરથ કુમાર નામના 23 વર્ષીય વ્યક્તિએ ધોધમાં જીવ ગુમાવ્યો છે.  23 જુલાઈએ શરથ સવારે તેના મિત્રો સાથે રમણીય ધોધની મુલાકાતે ગયો હતો અને ઈન્સ્ટાગ્રામ રીલ માટે પોઝ આપીને તેનો સમય માણી રહ્યો હતો.

શરથ સવારે અરાસિનાગુંડી ધોધ પર પહોંચ્યો હતો અને બપોર સુધીમાં, તે ધોધની નજીક એક ખડક પર ઊભો હતો, કેમેરા માટે પોઝ આપી રહ્યો હતો કારણ કે તેના મિત્રો તેની ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા હતા.

જો કે, દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે અચાનક તે લપસી ગયો અને ધોધમાં પડયો, આંખના પલકારામાં અદૃશ્ય થઈ ગયો. શરથના મિત્રો દ્વારા સમગ્ર ઘટનાક્રમને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે કોલ્લુર ગામથી માત્ર 6 કિમી દૂર આવેલ અરાસિનાગુંડી ધોધ પાણીથી ભરપૂર હતો. પાણીનું જોર એટલું જોરદાર હતું કે તે તરત જ શરથને વહાવી ગયો. બચાવ ટીમો દ્વારા સતત શોધખોળના પ્રયાસો કરવા છતાં શરથ હજુ પણ ગુમ છે. તેનો પરિવાર કોલ્લુર પહોંચી ગયો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોલ્લુર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર જયશ્રી હોનુરે જણાવ્યું હતું કે, મંગળવારે પણ શોધ ચાલુ રહેશે.

ચોમાસાના મહિનાઓમાં આ વિસ્તારમાં ટ્રેકિંગ પર પ્રતિબંધ હોવા છતાં, શરથ અને તેના મિત્ર ગુરુરાજે કુદ્રેમુખ વન્યજીવ વિભાગ હેઠળ આવતા કોલ્લુરના મુકામ્બિકા વન્યજીવ અભયારણ્યમાં ધોધ સુધી પહોંચતા પહેલા 6 કિમી ચાલ્યા હતા.

ઉડુપીના એસપી અક્ષય એમ હકેએ જણાવ્યું હતું, “શરથ અને તેના મિત્રો પાસે કોઈ પરવાનગી નહોતી. તેઓએ આ જોખમ લીધું. તમામ પર્યટન વિભાગ દ્વારા નિયુક્ત ધોધ પર, જિલ્લા વહીવટીતંત્રે પ્રવાસીઓને ધોધમાં જવા સામે સાવચેતી રાખવા માટે સ્ટાફની નિયુક્તિ કરી છે.”  વરસાદની ઋતુ દરમિયાન તમામ ટ્રેકિંગ રૂટ બંધ હોય છે. 

તાજેતરના સમયમાં, રાજ્યભરના પ્રવાસન સ્થળો પર સેલ્ફી સંબંધિત અકસ્માતોના અનેક બનાવો બન્યા છે. ગયા નવેમ્બરમાં, બેલાગવી જિલ્લામાં કિટવાડ ધોધ પાસે સેલ્ફી લેતી વખતે ધોધમાં લપસી જતાં ચાર છોકરીઓએ જીવ ગુમાવ્યો હતો. પરિણામે, રાજ્ય સરકારે બેલાગવી જિલ્લાઓમાં ગંભીર પરિણામોની ચેતવણીના સ્વરૂપે લોકપ્રિય ગોકાક ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં ઉડુપી પ્રદેશમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બંટવાલ તાલુકાની નજીકના નંદવારા, અલાડકા અને ગુડીના વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જતાં રહેવાસીઓને બચવા માટે હાલાકી ભોગવવી પડી હતી.

ઉત્તર, મધ્ય અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદ ચાલુ હોવાથી ઘણા જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. દરિયાકાંઠાના કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉડુપી, ધારવાડ અને અન્ય પ્રદેશોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.